ધોરણ ૬ દ્રિદલ પાઠ વિષય ગુજરાતી

દ્રિદલ

ડૉ. આઇ. કે. વીજળીવાળા
જન્મ : 14-7-1960

ડૉ. આઇ. કે. વીજળીવાળાનો જન્મ ભાવનગર જિલ્લાના અમરગઢમાં થયો હતો. તેઓ વ્યવસાયે ડૉક્ટર છે. હાલ ભાવનગરમાં રહે છે. સાઈલન્સ પ્લીઝ’ ‘મોતીચારો’ ‘પ્રેમનો પગરવ’ અને ‘ઉંદરભાઈને આંખો આવી’ વગેરે એમનાં જાણીતાં પુસ્તકો છે.

અહીં બે બોધકથાઓ સાદી અને સરળ શૈલીમાં આપવામાં આવી છે. પ્રથમ બોધકથામાં શિલ્પીની આત્મનિષ્ઠા અને પ્રભુનિષ્ઠા સુંદર રીતે વ્યક્ત થઈ છે, તો બીજી બોધકથામાં કામ કરતો એક યુવક પોતાના વ્યવસાય પ્રત્યે કેટલો ગંભીર અને અને સંનિષ્ઠ છે એની ચોટદાર શૈલીમાં રજૂઆત છે. પોતાના વ્યવસાય પ્રત્યેની આવી નિષ્ઠા દરેક વ્યક્તિ કેળવે તો કેવું ?

(1) મૂર્તિ

           એક માણસ એક વખત પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરનું નિર્માણકાર્ય જોવા ગયો હતો. એ કોઈ જાણકાર નહોતો. બસ, એમ જ જોવા માટે ગયો હતો. ત્યાં જઈને એણે જોયું તો એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસપહાણના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ધડી રહ્યો હતો. પેલા માણસને એના કામમાં રસ પડી ગયો. એ શિલ્પીની બાજુમાં બેસી ગયો. અચાનક એનું ધ્યાન બાજુમાં પડેલી એવી જ અન્ય એક મૂર્તિ પર પડ્યું. એને નવાઈ લાગી. એણે શિલ્પીને પૂછ્યું, ‘મંદિરમાં એકસરખી આ બે મૂર્તિઓની જરૂર છે ?’

‘ના’, શિલ્પીએ જવાબ આપ્યો. ‘આવી એક જ મૂર્તિની જરૂર છે, પરંતુ આ બીજી મૂર્તિમાં થોડુંક નુકસાન થવાથી છેલ્લી ઘડીએ પડતી મૂકવી પડી છે.’

પેલા માણસે ઊભા થઈને પડતી મૂકાયેલી મૂર્તિને ચારે તરફથી તપાસી જોઈ. એને તો કોઈ જગ્યાએ કાંઈ પણ નુકસાન ન દેખાયું. એણે આશ્ચર્ય સાથે શિલ્પીને ફરીથી પૂછ્યું, ‘આ પર્વમાં તો કોઈ જ નુકસાન દેખાતું નથી. તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે ?’

એના નાક પાસે એક નાનો ઘારકો થઈ ગયો !’ શિલ્પીએ કહ્યું. પેલા માણસે ફરીવાર ધ્યાનથી જોયું ત્યારે એને એ નાનો ઘસરકો દેખાયો. એણે શિલ્પીને પૂછ્યું, ‘તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો ?’

‘પેલા વીસ ફૂટ ઊંચા સ્તંભ ઉપર’ શિલ્પીએ જવાબ આપ્યો. પેલા માણસના આશ્ચર્યનો પાર ન રહ્યો. એનાથી કહેવાઈ ગયું, ‘ભલા આદમી ! જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલે બધે ઊંચે જ કરવાની હોય તો આવી ખોટી મહેનત શું કામ ? ત્યાં વળી કોણ જોવાનું છે કે એના નાક પર નાનો ઘસરકો છે ?

શિલ્પીએ પોતાનું કામ અટકાવીને એ માણસ સામે જોયું. પછી હસીને બોલ્યો, ‘ભાઈ, બીજું કોઈ આ વાત જાણે કે નહીં એની મને ખબર નથી, પરંતુ હું અને મારી ભગવાન તો આ જાણીએ છીએ ને ?’

એટલું કહી એટલી જ એકાગ્રતાથી એણે પોતાનું કામ ફરીથી શરૂ કરી દીધું. નિઃશબ્દ બની પેલો માણસ એ શિલ્પીને જોઈ રહ્યો !

(2) સ્વ-મૂલ્યાંકન

          એક યુવક પરદેશના એક સ્ટોરમાં દાખલ થયો. દુકાનદાર સાથે નમ્રતાથી વાત કરીને પબ્લિક ફોન વાપરવાની મંજૂરી માગી. દુકાનદારે હા પાડી. યુવકના હાથ મેલા અને ખરાબ હતા એટલે એ સ્પીકર ફોન પર વાત કરતો હતો. અન્ય કોઈ ગ્રાહક એ સમયે સ્ટોરમાં હાજર ન હોવાથી દુકાનદાર એની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. સામા છેડે કોઈ સ્ત્રી વાત કરી રહી હતી.

યુવકે કહ્યું, ‘મૅડમ, તમે મને તમારે ત્યાં લૉન કાપવાનું કામ આપી શકો ખરાં ?’

સામે છેડેથી સ્ત્રીનો અવાજ આવ્યો, ‘નહીં ભાઈ, લૉન કાપવા માટે મેં માણસ રાખી લીધેલ છે.

યુવક બોલ્યો, ‘મૅડમ, અત્યારે તમારે ત્યાં રાખેલ માણસને જે પગાર આપતા હોય એના કરતાં અડધા પગારથી હું લૉન કાપી આપીશ.’

સામે છેડેથી સ્ત્રીએ કહ્યું, ‘ના ભાઈ, હાલ લૉન કાપવાનું કામ જે માણસ કરે છે તેનાથી મને કોઈ જ ફરિયાદ નથી.’

યુવકે કહ્યું, ‘મૅડમ, લૉન કાપવાની સાથે હું ઘરની આજુબાજુનો રસ્તો પણ સાફ કરી આપીશ અને એ માટે કોઈ વધારાની રકમ વગર.’

પેલી સ્ત્રીએ જવાબ આપ્યો, ‘ના ભાઈ, આભાર. મને હમણાં બીજી કોઈ વ્યક્તિની જરૂર નથી, મેં રોકેલા માણસથી મને પૂરો સંતોષ છે.’

આટલી વાતચીત પૂરી કરીને ખુશખુશાલ ચહેરે એ યુવકે ફોનનું સ્પીકર બંધ કર્યું. દુકાનદારનો ફરી એકવાર આભાર માનીને એ જવાની તૈયારી કરતો હતો, એ જ વખતે દુકાનદારે એને પાસે બોલાવ્યો. એની બધી વાતચીત સાંભળીને એ પણ ખુશ થઈ ગયો હતો. પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી છતાં યુવકના ચહેરા પર નિરાશાની કોઈ રેખા નહોતી કે એ જરાય ઉદાસ પણ નહોતો થયો. ટૂંકમાં, એની એ ખુમારી એને સ્પર્શી ગઈ.

યુવક પાસે આવ્યો એટલે દુકાનદારે કહ્યું, ‘યુવક, પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી તો પણ તું ખુશ રહી શક્યો એ વાત જ મને ખૂબ સ્પર્શી ગઈ છે. એણે ભલે ના પાડી, પરંતુ હું તને કામ આપવા તૈયાર છું. બોલ, મારે ત્યાં કામ કરીશ ?’

પેલા યુવકે હસતાં હસતાં ના પાડી.

દુકાનદારને અત્યંત નવાઈ લાગી. એણે કહ્યું, ‘‘પણ દીકરા, હમણાં તો તું પેલી સ્ત્રીને કામ માટે રીતસરની આજીજી કરી રહ્યો હતો ? કામ નહોતું જોઈતું તો પછી એવું શા માટે કરતો હતો ?’

યુવક હસતાં હસતાં બોલ્યો, ‘નહીં સર, હું જ એ મૅડમને ત્યાં કામ કરું છું. આ તો મારું કામ
કેવું છે એ તપાસવા માટે જ મેં એમને ફોન કરેલો, જેથી કરીને મારા કામ અંગે મને ખ્યાલ આવે.’

દુકાનદારને એક નિર્દોષ સ્મિત આપીને એણે વિદાય લીધી.

દુકાનદાર એને જતો જોઈ રહ્યો અને ક્યાંય સુધી એ યુવકની સ્વ-મૂલ્યાંકનની રીતને બિરદાવતો

(– પ્રેમનો પગરવ’ માંથી)

Leave a Comment